*મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી રાજકોટ-વડોદરાની એક દિવસીય મૂલાકાતે* :-

રાજકોટ-વડોદરા શહેરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સારવાર-દવાઓ વગેરે માટે વધારાના પાંચ-પાંચ કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ફાળવાશે-મુખ્યમંત્રીશ્રી ….. મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી-મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો સાથે રાજકોટ-વડોદરાની કોરોના સંક્રમણ-સારવાર-નિયંત્રણ સ્થિતીની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન આપ્યું …..  રાજકોટ માટે વધારાના રપ૦૦ બેડની સુવિધા ઊભી કરાશેવડોદરા-રાજકોટમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા ડબલ કરાશેવડોદરામાં સયાજીરાવ હોસ્પિટલ-ગોત્રીમાં વધારાના બેડ – પૂરતા વેન્ટીલેટર્સ – જરૂરી સાધનો – દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાશેરાજકોટમાં શાકભાજી ફેરિયા –લારી-થડા વાળાઓનું સઘન સ્કીનીંગ કરી સુપર સ્પ્રેડર શોધી કાઢવા ઝૂંબેશપાદરા-ડભોઇ-સાવલીમાં અઠવાડિયે એક દિવસ ઘરે-ઘરે સર્વેલન્સ સ્કીનીંગ કરાશે – હોમિયોપેથી આયુર્વેદ દવાઓ વિતરણ થશેઓગસ્ટ મહિનામાં આવતા ગણેશોત્સવ-જન્માષ્ટમી-બકરી ઇદ-સંવત્સરી-ભાદરવી પૂનમ જેવા તહેવારોના મેળાવડા-સમારંભો ન યોજવા નાગરિક-સમાજો સ્વયંભૂ આગળ આવે-મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ ….. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા અને રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ નિયંત્રણની વ્યવસ્થાઓ દવાઓ, સાધન સવલતો વધુ સઘન બનાવવા બેય મહાનગરો માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી વધારાના પાંચ-પાંચ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં આ બે મહાનગરોને મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ. ૧૦-૧૦ કરોડની ફાળવણી કરેલી છે. હવે આ વધારાના પાંચ-પાંચ કરોડ તેમણે ફાળવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના રાજકોટ અને વડોદરા મહાનગરમાં કોરોના સંક્રમણ અને નિયંત્રણ સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેય મહાનગરોની એક દિવસીય મૂલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ અને વડોદરામાં શહેરી-જિલ્લા તંત્રવાહકો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને IMA અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠકોનો દૌર યોજીને સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ હતું. તેમણે અધિકારીઓ-પદાધિકારીઓ-તબીબો સાથેની બેઠકો પૂર્ણ કરી પ્રચાર માધ્યમો સાથે સંવાદ કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણને રોકવા તેમજ સંક્રમિતોની સારવાર સેવામાં રાજ્યમાં પહેલો કેસ નોંધાયો ત્યારથી જ સંપૂર્ણ તાકાતથી કાર્યરત છે. ખાસ કરીને મહાનગરો-શહેરોમાં માઇક્રો પ્લાનીંગ અને સ્ટ્રેટેજી સાથે આરોગ્ય તંત્ર આગળ વધ્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે તેથી આસપાસના અન્ય જિલ્લાઓના કોરોના સંક્રમિતો પણ સારવાર માટે અહિ આવતા હોય છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, રાજકોટમાં આગામી દિવસોમાં કોવિડ હોસ્પિટલમાં ૨પ૦૦ બેડની વ્યવસ્થા કરાશે. શ્રી વિજયભાઇ રૂપાણીએ શાકભાજીની ફેરી-લારીવાળાઓ, થડાવાળાઓ જેવા સુપર સ્પ્રેડરનું સ્ક્રીનીંગ, ટેસ્ટીંગ હાથ ધરીને કોરોના સંક્રમણ નિયંત્રણ ઝૂંબેશ વેગવાન બનાવવા સાથોસાથ રાજકોટ અને વડોદરામાં થતી કોરોના ટેસ્ટીંગની સંખ્યા બે ગણી કરવાની પણ જાહેરાત કરી હતી. આ હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ માટે જરૂરી તબીબી-સારવાર સાધનો, એકસ-રે મશીન, ટેસ્ટીંગ કિટસ વગેરે રાજ્ય સરકાર આપશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સુપર સ્પ્રેડરની ભાળ મેળવવા પ્રોવિઝન સ્ટોર્સ, કરિયાણાના દુકાનદારો વગેરેના ક્રમશ: ટેસ્ટીંગ-સ્કીનીંગ માટે પણ તંત્રવાહકોને સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા રોજની ર૦ હજાર કરાશે તેમ પણ ઉમેર્યુ હતું. રાજકોટ શહેરમાં ધન્વંતરી રથના માધ્યમથી ગીચ વિસ્તારોમાં જઇને લોકોના આરોગ્યની તપાસ કરવા તથા રથ દ્વારા નિયત સમયે નિયત સ્થળે સતત પંદર દિવસ સુધી લોકોની તપાસણી થતી રહે એ પ્રમાણે કાર્ય આયોજન માટે સૂચવ્યું હતું. તેમણે શહેર જિલ્લાના કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેલા લોકોના ટેસ્ટિંગ ઉપર ભાર મૂકી આ કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા લોકો માટે સંજીવની રથ થી આરોગ્ય તપાસ-સારવાર સુવિધા ઉપલબ્ધ બનાવવા તેમજ રોગપ્રતિકારક શકિત વધે તે માટે નિયમિત ઉકાળાનું વિતરણ કરવા પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વડોદરામાં ગોત્રી અને સયાજીરાવ હોસ્પિટલોમાં હાલના રપ૦ વેન્ટીલેટર્સ ઉપરાંત જરૂર જણાયે વધુ વેન્ટીલેટર્સ આપવાની તેમજ બેડ વધારવાની પણ વ્યવસ્થાઓ કરાશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે સરકારના પગલાંઓ સાથે લોકજાગૃતિ અને સતર્કતા અનિવાર્ય છે એવો મત પણ દર્શાવ્યો હતો. તેમણે આગામી દિવસોમાં ઓગસ્ટ મહિનામાં ગણેશોત્સવ, જન્માષ્ટમી, બકરી ઇદ, સંવત્સરી ભાદરવી પૂનમ જેવા પર્વો-ઉત્સવોના મેળાવડાઓ-જાહેર સમારંભો ન યોજવાની સ્વયંભૂ જાહેરાત માટે પણ નાગરિક-સમાજોને અપિલ કરી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા જિલ્લાના ખાસ કરીને ડભોઇ, સાવલી, પાદરામાં અઠવાડિયે એકવાર તમામ લોકોના સર્વેલન્સ સ્કીનીંગ કરી સંક્રમિતો શોધવા તથા ઘરે-ઘરે હોમીયોપેથી દવાઓ, ઊકાળા સહિતના આયુર્વેદ ઔષધો વિતરણ કરી રોગ પ્રતિકારકશકિત વધારવાની પણ તાકિદ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકારે કોરોના સામે છેલ્લા પાંચ મહિનાથી સંપૂર્ણપણે ફોકસ કરીને સંક્રમિતો શોધવા, સંક્રમિતોને બેસ્ટ ટ્રિટમેન્ટ વિનામૂલ્યે મળે તથા દવાઓ, સાધનસામગ્રીની કોઇ કમી ન રહે તેવું સુદ્રઢ આયોજન કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કોરોના સારવાર સુવિધાઓ માટે રાજ્ય સરકારે સતર્કતાપૂર્ણ આયોજન કરેલું છે તેની વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે રૂ. ૩૩ કરોડથી વધુની રકમ ટોસીલીઝૂમેબ અને રેમેડીસીવીર જેવા જીવનરક્ષક ઇન્જેકશન માટે ફાળવ્યા છે. હવે, જે નવા ઇન્જેકશન ઇટાલીઝૂમા આવ્યા છે તેની પણ રાજ્ય સરકાર વ્યવસ્થા કરશે એમ તેમણે ઉમેર્યુ હતું. શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં રિકવરી રેટ ૭૪ ટકા અને મૃત્યુ દર ૪ ટકા જેટલો છે અને ગુજરાત કોરોના સંક્રમણમાં દેશમાં ૧રમાં સ્થાને છે તેમ પણ અન્ય રાજ્યોની તૂલના કરતાં જણાવ્યું હતું. તેમણે ઇન્ડીયન મેડીકલ એસોસિયેશનના સભ્ય તબીબોને પણ કોરોના સંક્રમિત સારવારમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો-પ્રજાજનો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તથા વારંવાર હાથ ધોવા-સેનીટાઇઝ કરવાની સારી આદતો વ્યાપકપણે કેળવે તે માટે મિડીયાને પણ જાગરૂકતા ફેલાવવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રી સાથે આ સમીક્ષા બેઠકોમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ જોડાયા હતા. ……

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *