*નશીબ જ ફૂટેલા નીકળ્યા : રાજકોટના બે પોલીસમેનની દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગઈ*

“માલવીયા પોલીસ મથકના લોકરક્ષક રાજદીપસિંહ જાડેજા તથા પૃથ્વીસિંહ જાડેજા કચ્છથી દારૂ ભરીને આવતા હતા ત્યારે મોરબી નજીક અકસ્માત : 36 બોટલ, 32 બીયર ટીન સહિત 5.46 લાખનો મુદામાલ જપ્ત : એક તો પીધેલો હતો :કેટલા વખતથી દારૂની હેરાફેરી કરતા હતા? અન્ય કોઇ સામેલ છે કે કેમ? સહિતના મુદ્દે તપાસ થવાના ભણકારા:લોકરક્ષક રાજદીપસિંહ પીધેલી હાલતમાં કાર ચલાવતાં સ્કોર્પીયો પલટી મારી ગઇ : કચ્છથી દારૂ-બિયરનો જથ્થો રાજકોટ લઇને આવતા’તા : મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી” રાજકોટ : ગુજરાતમાં દારૂ બંધી છે છતાં અવાર-નવાર દારૂ પીધેલી હાલતમાં કે પછી દારૂની બોટલ કે જથ્થા સાથે પોલીસકર્મીઓ પકડાતા હોય છે તે હકિકત છે અને આજરોજ મોરબીનાં જાંબુડીયા ગામ પાસે આવેલા ઓવરબ્રીજ પાસેથી વહેલી સવારે એક સ્કોર્પીયો કાર પસાર થતી હતી જે પલટી ખાઇ ગઇ હતી. ત્યારે ખબર પડી કે આ ગાડીમાં તો દારૂ-બીયરનો જથ્થો છે અને કારમાં બેઠેલા બે વ્યકિતની પુછપરછ કરતા તેઓ બંને પોલીસકર્મી (લોકરક્ષક) હોવાનું જાણવા મળ્યું હતું. બંને પોલીસમેન રાજકોટનાં માલવીયા પોલીસ મથકમાં ફરજ બજાવતાં હોવાનું મોરબી તાલુકા પોલીસ મથકમાંથી જાણવા મળી રહ્યું છે. હાલ દારૂ-બીયરનો જથ્થો કયાંથી લાવ્યા? એ અંગે પુછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાંથી એક વ્યકિત દારૂ પીધેલી હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બંને પાસેથી 36 દારૂની બોટલ, 32 બીયરના ટીન અને સ્કોર્પીયો કાર સહિત રૂા.5,46,920 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન અને સુચનાથી મોરબી તાલુકા પોલીસ મથકનાં યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઇ આગલ, અમીત વાંસદડીયા, રમેશભાઇ મુંધવા, હિતેશભાઇ ચાવડા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ આજે વહેલી સવારે આઠ વાગ્યે મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર જાંબુડીયા બ્રીજ પાસે નેશનલ હાઇવે ઉપર એક સ્કોર્પીયો કાર પલટી ખાઇ ગયેલ છે. તેમાં વિદેશી દારૂ અને બિયર ભરેલ છે. તેવી ટેલીફોનીક વર્ધી મળતા મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તુરંત જ મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર જાંબુડીયા બ્રીજ પાસે પહોંચતા નેશનલ હાઇવે રોડ પર એક કાળા કલરની સ્કોર્પીયો કાર જીજે 03 એલજી 44પપ નંબરની પલટી ખાધેલી હાલતમાં મળી આવી હતી. કારમાં રહેલા બે શખ્સોનું નામ પુછતા રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા હોવાનું જણાવ્યું હતું અને બંનેમાંથી રાજદીપસિંહ પીધેલી હાલતમાં હોવાનું જણાયુ હતું. સ્કોર્પીયો કારમાંથી વિદેશી દારૂની રૂા.18,720ની 36 દારૂની બોટલ અને રૂા.3200નાં 32 બીયર ટીન, બે મોબાઇલ અને કાર સહિત રૂા.પ.46 લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. કાર પલટી જતાં કારમાં નુકશાની થયેલી જોવામાં આવી હતી. કાર રાજદીપસિંહ જાડેજા ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ મથકનાં પીએસઆઇ એ.એ.જાડેજા સહિતના સ્ટાફે તપાસ આદરી છે. બંને પોલીસમેનોએ ઢાંક પીછોળો કરવા દારૂની પેટીઓનાં પુલ ઉપરથી નીચે ઘા કર્યા! રાજકોટમાં માલવીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા રાજદીપસિંહ જાડેજા અને પૃથ્વીસિંહ જાડેજા નામના બંને લોકરક્ષક મોરબીનાં જાંબુડીયા બ્રીજ પાસેથી દારૂ-બીયરનાં જથ્થા સાથે પકડાયા છે. જેમાંથી રાજદીપસિંહ પીધેલી હાલતમાં હતા અને તેઓએ પીધેલી હાલતમાં કાર ચલાવી પલટી ખવડાવી હતી. બંને પોલીસ મેનોએ ઢાંક પીછોળો કરવા માટે દારૂને સગેવગે કરવાના પ્રયાસો કર્યા હતાં અને એવુ પણ ચર્ચાયુ હતું કે દારૂની બોટલનાં પુલ પરથી નીચે ઘા કર્યા હતાં અને સ્થળ પર પહોંચેલા પોલીસ જવાનો સાથે પણ માથાકુટ કરી હતી. બંને દારૂ-બીયરનો જથ્થો કચ્છમાંથી લઇને રાજકોટ તરફ જતાં હોવાનું પુછપરછમાં જાણવા મળ્યું છે.

Share this:

 
Avatar

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *